સમજદારી - લઘુકથા
જિજ્ઞેશ ના લગ્નને મહિનો થવા આવ્યો.મહિમા હવે રસોડામાં થોડી થોડી જવાબદારી સંભાળવા લાગી હતી. સુવર્ણાબહેન પણ એને ટોક્યા વગર એને મદદરૂપ થતાં હતાં. આજે સવારે એમણે નાસ્તાની પ્લેટમાં વઘારેલી ખીચડી ની પહેલી ચમચી ખાધી અને એમને નવાઇ લાગી કારણ પ્રકાશભાઇએ ફરિયાદ
કર્યા વગર નાસ્તો પતાવી દીધો હતો. એ સમજદાર ગૃહિણીએ મહિમાને તો કંઇ જણાવા દીધું નહીં પણ એમને પોતાના પરણીને આવ્યાના શરૂઆતના દિવસો યાદ આવી ગયા. પિયરમાં બધી વાનગીમાં થોડું ગળપણ ઉમેરાતું એમ અહીં પણ એમણે ખીચડી વઘારતાં થોડી ખાંડ ઉમેરી અને સાસુ સસરા અને પતિની નારાજગીનો ભોગ બન્યા.એ પછી ગળપણ વિનાની ઘણી બધી રસોઇના સ્વાદની ટેવ એમણે પણ અપનાવી લીધી. ઘરના બધાએ એ ટેવને ગૃહિણીની ફરજનો ભાગ સમજીને એની નોંધ પણ ના લીધી.
બપોરે પતિ સાથે એકાંત મળતાં એ પૂછી બેઠા, "આજે તમને ખીચડી ભાવી?". "મને ખબર પડી કે ખીચડીમાં ખાંડ ઉમેરેલી હતી પણ મહિમા આ ઘરમાં નવી નવી આવી છે તો
ચલાવી લેવું જોઈએ ને?" પ્રકાશભાઇએ જવાબ આપ્યો.
પતિની આ સમજદારી પર ખુશ થવું જોઈએ એ ગૃહિણીની ફરજે સુવર્ણાબહેન ને આજે ફરી એકવાર મૌન કરી દીધાં.
વર્ષા શાહ
Comments
Post a Comment